શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કૉલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાર્થક ઉજવણી

તા: 8/3/2021

શ્રીમતી એલ. એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના CWDC અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સના અધ્યાપક ડો. ગુરુદત્ત જપ્પી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના આરંભે CWDCનાં અધ્યક્ષા તેમજ ઇતિહાસ વિષયના અધ્યાપિકા ડો. અંજના પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો ઐતિહાસિક સંદર્ભ સુપેરે સમજાવ્યો હતો. ત્યારબાદ કોલેજના આચાર્ય ડો. પંકજ શ્રીમાળીએ મહિલા સશક્તિકરણની ગઈકાલ, આજ અને આવતીકાલ અંગે ઐતિહાસિક, સામાજિક અને કાનૂની પાસાઓની વિષદ છણાવટ કરી હતી. અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. ક્ષિપ્રા પુરાણીએ અનેક પડકારો સામે ઝઝૂમતી આધુનિક નારીની સંવેદના પ્રસ્તુત કરતાં હિન્દી કાવ્યનું સરસ પઠન કર્યું હતું. સમારંભના અતિથિ વિશેષ તરીકે પધારેલ ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સના અધ્યાપક ડો. ગુરુદત્ત જપ્પીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમા મહિલાઓના વિરલ પ્રદાનનો વ્યાપક સ્વીકાર અને આદર કરવા પર ભાર મૂક્યો હતો. અંતે હિન્દી વિષયના અધ્યાપિકા ડો. કવિતા આનંદે આભાર દર્શન કર્યું હતું. કોવીડ-19 અંગેની માર્ગદર્શિકાઓનું પાલન કરીને આ કાર્યક્રમમાં કોલેજના તમામ શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઈબહેનો ઉમંગભેર જોડાયા હતા.